વલસાડ ખાતે સરપંચ સન્માન સમારોહમાં ખેરગામનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલને વિશેષ સન્માન.
પ્રેસ દિવસના અવસરે વલસાડ જિલ્લામાં ભવ્ય સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો. પારડી સ્થિત મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કામગીરી દ્વારા ગામોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર કુલ ૬૧ સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું.
આ સન્માન રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના કરકમલેથી કરાયું હતું. કાર્યક્રમમાં માનનીય મહાનુભાવો, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સરપંચમંડળ, ગ્રામજનો અને પ્રેસ પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ખેરગામ ગામના મહિલા સરપંચશ્રી ઝરણાબેન પટેલનું પણ ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ગામ વિકાસ માટેની દ્રઢ પ્રતિબદ્ધતા, લોકભાગીદારી દ્વારા વિકાસ કાર્યોને ગતિ આપવાનો પ્રયત્ન અને સ્વચ્છતા, આરોગ્ય, પાણી પુરવઠો તેમજ મહિલા સશક્તિકરણ તરફના પ્રયાસોની વિશેષ નોંધ લેવાઈ હતી.
શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના આશીર્વચન દરમ્યાન પ્રેસ દિવસના મહત્વને ઉજાગર કરતાં જણાવ્યું કે લોકશાહી મજબૂત બનાવવા માટે પ્રેસ અને ગ્રામપંચાયત બંનેનો મહત્વનો હિસ્સો છે. તેમણે સરપંચશ્રીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે ગામ વિકાસના આ યોદ્ધાઓના પારદર્શક અને સમર્પિત કાર્યથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારો નવી ઉંચાઈઓ સર કરે છે.
પ્રેસ દિવસના આ વિશિષ્ટ અવસર પર ઉત્તમ કામગીરી કરનાર તમામ સરપંચશ્રીઓને દિલથી અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.



0 Comments